ભાદરવાની ભેંસ (વાર્તા), ✍️✍️‌અવની શિવાંગ દવે, (શિવે સ્વરી)


ભાદરવાની ભેંસ

(વાર્તા)


         ગામડે થી આવેલી રાધાને શહેરનાં રંગઢંગ ફાવે નહીં, આતો ગરીબીમાંથી થોડી આઝાદી મળે અને ગામડે રહેતાં આઠ સદસ્યો વાળા ઘરમાં બે વખતનું ભોજન મળી રહે એટલે ગામડું છોડી શહેર માં લોકોનાં ઘરકામ કરી જે રૂપિયા મળે તો ગુજરાન ચાલે એ ઈચ્છા થી એક દિવસ વડોદરા શહેર નાં બસ ડેપો પર ઉતરી રાધા આમ તેમ ફાંફાં મારતી હતી  બધે પાણી ભરાયાં હતાં. ભાદરવો ભરપૂર જામ્યો હતો, રાધા પોતાનાં ઘાઘરી પોલકા ને સંકેલતી ધીમે થી ડેપો ની એકબાજુ ઊભી રહી  ક્યાં જાઉં ? નવું શહેર, નવાં લોકો, એ વિચારોમાં ખોવાયેલી હતી . ત્યાં જ એક પંચાવન - સાઈઠ વર્ષ ના બા - દાદા એકબીજાનો ટેકો લઈ જતાં હતાં, ત્યાં જ દાદા નો ટેકો છૂટ્યો ને બા નીચે પાણી ભરાયેલાં ખાબોચીયામાં પડી ગયા.

રાધા તરત દોડી ને બા ને સાચવીને ઊભા કરી એક બાજુ એ બેસાડી ઝટ જઈ પાણી લઈ આવી. બા એ રાધા ને ઘણાં આશીર્વાદ આપ્યા.સાથે નામ પૂછ્યું અને ઠામ શું છે તારું? અહીં શું કરે છે? જેવાં સામાન્ય સવાલો કરી વાત શરૂ કરી.ત્યાં તો રાધાનાં આંખે " ગંગા જમના" વહેવા લાગી,અને બધી આપવીતી સંભળાવી તો બા - દાદાએ એકબીજાની સામે જોયું અને જાણે ઈશારામાં જ નક્કી કર્યું હોય તેમ બા એ રાધા ને તેમની સાથે તેમનાં ઘરે ચાલવાનું કહ્યું. 

‌રાધા તો ખુશ થઈ ગઈ અને તરત તેની કપડાંની થેલી લઈને બા - દાદા સાથે તેમનાં ઘરે આવી ગઈ. બા - દાદા એકલાં રહેતાં હતાં,તેમનો એક નો એક દીકરો માનવ અમેરિકામાં જઈ વસી ગયો હતો. અહીં માં - બાપ માટે દર મહિને રૂપિયા મોકલી આપતો અને ઘરનાં કામો માટે માણસો રાખ્યાં હતાં. પાંચ - સાત વર્ષે એકાદ મહિના માટે આવી જતો. 

બા એ રાધા ને રોજ સવારે મંદિર સાફ કરી,ફૂલો ના હાર બનાવવાનું કામ આપ્યું હતું. બા ના ઘર માં સરસ મજાનું મંદિર હતું જે એક રૂમમાં બનાવ્યું હતું. તેમાં બધાં જ દેવી - દેવતાં ની મૂર્તિઓ અને ફોટાં હતાં. બા રોજ સવારે ૭ વાગ્યે પૂજા કરતાં તો એય..ને ૧૦વાગ્યા સુધી ચાલતી. 

બા ના આદેશ મુજબ રાધા રોજ પાંચ વાગ્યે ઊઠી પોતે નિત્યક્રીયા કરી મંદિર સાફ કરતી અને રોજ ઘર ના બગીચામાંથી તાજા ફૂલો તોડી લાવી સરસ મજાનાં હાર તોરણ બનાવતી. આ બધું થોડો સમય રાધા ને ગમ્યું પછી તો શું ? રોજ પાંચ ની બદલે સાત વાગ્યે ઉઠે અને બા ની કચકચ સંભાળવી પડે એટલે બહું ગુસ્સે થતી. 

‌તો પણ આમ જ મહિનો ચાલ્યું , બા રોજ બૂમો પાડતા કે ઓ રાધા " ઓ ભાદરવા ની ભેંસ " ઉઠ હવે , આ સુરજ પણ માથે ચઢ્યો ઓ... " શેઠાણી " ઉઠી ને અમને દર્શન આપો.

આમ રોજ કચકચ સાંભળી રાધા ખૂબ રોષે ભરાયેલી હતી . એક રાત્રે બા - દાદા સૂતાં હતાં , દાદા ઊંઘ ની ગોળીઓ લેતાં એટલે  નગારાં વગાડો તો પણ ના ઉઠે , સીધાં સવારે છ વાગ્યે જ ઉઠતાં. એ રાત્રે રાધા નો ક્રોધ આક્રોશ માં બદલાયેલો હતો " કારણકે આજે બા એ ખૂબ ખખડાવી હતી અને એ બધું સંભાળી ઘરનાં બીજા નોકરો હાંસી ઉડાવતા હતા".એટલે રાધાએ આજે. "બા નું કાશ કાઢવાનું " નક્કી કર્યું હતું. બહાર એકદમ અંધારું હતું." ભાદરવો " ભરપૂર જામ્યો હતો. અતિશય વરસાદને કારણે લાઈટો જતી રહી હતી.

બસ, આ જ મોકા નો ફાયદો ઉઠાવી રાધાએ રસોડામાંથી ચપ્પુ લીધું અને બા ની રૂમ માં ગઈ અને ધીમેથી નજીક જઈ ને બા નાં પેટમાં જોર જોર થી ૪-૫ વાર કરી જલ્દી પાછી રૂમમાં આવી સૂઈ ગઈ.આખી રાત આમતેમ પડખાં ફેરવતી રહી કે બસ સવાર પડે ને બા ની કચકચ સદાયને માટે બંધ થઈ ગયા નો આનંદ મળે. 

બીજા દિવસે સવારે વહેલાં વહેલાં રાધા ફૂલો તોડી મંદિર સાફ કરતી હતી ત્યાં જ બાની બૂમ સંભળાઈ " ઓ.....ભાદરવા ની ભેંસ" ઉઠી કે નહીં.આ જો ને તારા દાદા ને ઊંઘની ગોળી લેવામાં જોર આવે એટલે ઓશીકું અને ચાદર ઢાંકી આખી રાત અગાસીમાં સિગારેટ પીધાં કરી,શું કરું તારા દાદાનું? પાછું અોશિકું ને ચાદર પણ ફાડી નાખી છે, આખા રૂમ માં રૂ - રૂ થઈ ગયું છે , લાગે છે બારી માંથી બિલાડી આવી ને કર્યું હશે. 



      ‌સારું ચલ આજે તને સોનાની બુટ્ટી અપાવવાની છું, જલ્દી કામ પતાવી આપડે સોની ને ત્યાં જઈશું , આજે તારો જન્મદિવસ છે ને ? આજે મેં શીરો બનાવ્યો છે ,મારા ભગવાનને તારા સુખી જીવનની પ્રાર્થના કરીશ હ..ને. ચાલ ઝટ કર હવે.. રાધા તો પોતાની કરેલી ભૂલથી ખૂબ પસ્તાય રહી હતી . મન માં ને મન માં પોતાની જાતને ગાળો આપી રહી હતી. તે બાને કશું કહી નાં શકી પણ બા નાં ખોળામાં પોક મૂકી ને ખૂબ રડી. બા એ વ્હાલ કરતાં કહ્યું, બસ બસ હવે નખરાં ના કર, "આ તારો શ્રાવણ ભાદરવો વહાવાનો બંધ કર, મારો સાડલો ભીનો થઈ ગયો".  આમ કહેતાં વ્હાલ કરતાં જાય છે અને રાધા પણ આજીવન બા દાદા ની ખૂબ પ્રેમથી સેવા કરે છે, બા - દાદાએ તેમની મિલકત નો એક ભાગ રાધા ના નામે કાર્યની વસિયત બનાવડાવી હતી. તેમનાં અમેરિકામાં રહેતા પુત્ર ને પણ આ વાત મંજૂર હતી. બસ આમ રાધા લગ્ન કરી ને આજે પણ રોજ સવારે પહેલાં બા - દાદા નાં ફોટાં ને હાર ચઢાવી પોતાની ભૂલ ની માફી માંગે છે.

      


BY,

✍️✍️‌

અવની શિવાંગ દવે, 

(શિવે સ્વરી)

 વડોદરા.




PUBLISHED BY,

SHAILESH JOSHI

Comments

Post a Comment

Popular posts from this blog

SAHIL KI DIARY SE

સ્વાદિષ્ટ ફરાળી વાનગીઓ (સ્પાઈસી મોમોઝ & સ્ટીમ મોમોઝ), ધનેશ્વરી કિરણકુમાર જોશી.

''એક શિક્ષક" ✍️✍️ ભાવના ભટ્ટ, અમદાવાદ.